સુરતના સિંગણપોર વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં પૂરપાટ ઝડપે દોડતી સિટી બસે સ્કૂલ બસને ટક્કર મારતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.સિટી બસના ચાલકે કાબૂ ગુમાવતા આગળ જતી સ્કૂલ બસને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કૂલ બસનો પાછળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી
અકસ્માત સમયે સ્કૂલ બસમાં કુલ 5 વિદ્યાર્થીઓ સવાર હતા જેમાંથી 2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બીજી તરફ સિટી બસમાં પણ 7 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા.અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિંગણપોર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
