દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાને પગલે સુરત અને નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં બુધવારે રજા જાહેર કરવામાં આવી છે.આ નિર્ણયનો હેતુ બાળકોને વરસાદી આફતથી સુરક્ષિત રાખવાનો અને કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને ટાળવાનો છે.
સુરત, તાપી અને નવસારીમાં સ્કૂલો બંધ
નવસારી અને સુરત ઉપરાંત તાપી જિલ્લામાં પણ વરસાદની સ્થિતિને જોતા તંત્ર સતર્ક બન્યું છે.તાપી જિલ્લાના વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં પણ બુધવારે રજા જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે હોવાથી શાળાએ જતા બાળકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ આ પગલું લીધું છે.
