સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ દારૂબંધીના કડક અમલના દાવાઓની પોલ ખોલતો એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સુરતના પીપલોદ રોડ પર આવેલા પ્રખ્યાત મૈસુર કાફે પાસે મોડી રાત્રે હજારો નાગરિકોની હાજરી વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પરંતુ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેના માથે છે તેવા સુરત પોલીસના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અજય એચ. પટેલ હોવાનું સામે આવ્યું છે. ASI એટલો દારૂ પીધેલો હતો કે તેનાથી પોતાની કાર પણ કંટ્રોલ થઈ રહી નહોતી અને તેણે પૂરપાટ ઝડપે કાર સિટી બસમાં ઘુસાડી દીધી હતી.


કાર બની ગઈ હતી ચાલતી બાર, વર્ધી પણ અંદરથી મળી

અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જો કે, જ્યારે લોકોએ કાર ચાલકને બહાર કાઢ્યો ત્યારે તે પોલીસકર્મી અજય પટેલ નશામાં ધૂત હાલતમાં લથડિયાં ખાઈ રહ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ જ્યારે કારની અંદર તપાસ કરી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારની અંદરથી વિદેશી દારૂની બોટલ, પીવા માટેના કાચના ગ્લાસ અને અન્ય સામગ્રી મળી આવી હતી. એટલું જ નહીં, ગાડીની પાછલી સીટ પરથી પોલીસની સત્તાવાર વર્ધી, બેલ્ટ, બક્કલ નંબર અને 'અજય એચ. પટેલ' લખેલી નેમપ્લેટ મળી આવી હતી. લોકોએ આ નશાખોર પોલીસકર્મીને પકડીને મેથીપાક આપ્યા બાદ તાત્કાલિક ઉમરા પોલીસને હવાલે કર્યો હતો.

ઉમરા પોલીસની શંકાસ્પદ કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો

આ સમગ્ર મામલામાં સૌથી મોટો વિવાદ અને વળાંક અકસ્માત બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યો હતો. ઉમરા પોલીસે પોતાની જ સિસ્ટમના માણસ એવા ASI અજય પટેલ વિરુદ્ધ કડક પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી ધારો) અને કલમો લગાવવાને બદલે માત્ર સામાન્ય અકસ્માત અને જામીનપાત્ર કલમો ઉમેરીને સ્ટેશનમાંથી જ જામીન આપી રવાના કરી દીધો હતો.

ASI અજય પટેલ વિરુદ્ધ આવી નરમ નીતિ 

આ ઘટનાને પગલે  લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ જગ્યાએ કોઈ સામાન્ય નાગરિક કે મધ્યમવર્ગીય વ્યક્તિ હોત, તો પોલીસે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો લગાડી હોત, મીડિયા સામે તેનો વરઘોડો કાઢ્યો હોત અને તેની મોંઘીદાટ ગાડી પણ કાયદાકીય કલમો હેઠળ જપ્ત કરી લીધી હોત. તો પછી ASI અજય પટેલ વિરુદ્ધ આવી નરમ નીતિ કેમ અપનાવાઈ? શા માટે તેની ગાડી જપ્ત ન કરાઈ? શું સુરત પોલીસ પોતાના ગુનાહિત માનસ ધરાવતા કર્મચારીઓને બચાવવા માટે કાયદાનો દુરુપયોગ કરી રહી છે? સુરત પોલીસ કમિશનર આ મામલે ઉમરા પોલીસ અને ભ્રષ્ટ ASI સામે ખાતાકીય ઇન્ક્વાયરી બેસાડી સસ્પેન્ડ કરશે કે કેમ, તેના પર હવે સૌની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો: Gandhinagar: કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાના શિક્ષકો પરના આક્ષેપોથી શિક્ષણ જગતમાં ભભૂક્યો આક્રોશ

  • Follow us on: