દેશભરમાં સ્વચ્છતા અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એવોર્ડ જીતનારી સુરત મહાનગરપાલિકા (SMC) ના સુશાસનના દાવાઓની પોલ પીવાના પાણીની મૂળભૂત સુવિધામાં જ ખુલ્લી પડી ગઈ છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ઘરોમાં પીળું, ડહોળું અને અત્યંત દુર્ગંધયુક્ત પીવાનું પાણી સપ્લાય થઈ રહ્યું છે. હજુ તાજેતરમાં જ ચોમાસું પૂર્ણ થયું હોવા છતાં અને તાપી નદી પરનો સિંગણપોર કોઝવે સતત ઓવરફ્લો રહ્યો હોવા છતાં નાગરિકોને શુદ્ધ પાણી નસીબ થઈ રહ્યું નથી. પીવાના પાણીના નામે રોગચાળો વહેંચાઈ રહ્યો હોવાથી સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર લોકપ્રશ્ને હવે શાસક પક્ષે પણ ક્ષતિ સ્વીકારી છે, પરંતુ ઉકેલ લાવવાને બદલે લોકોને ‘પાણી ઉકાળીને પીવાની’ સલાહ આપી હાથ ખંખેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નળમાંથી પીળું અને વાસ મારતું પાણી
શહેરના મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં સવાર-સાંજ અપાતા સપ્લાયમાં પીળા રંગનું ગંદુ પાણી આવી રહ્યું છે, જેમાંથી અસહ્ય વાસ આવે છે.આ દૂષિત પાણી વાપરવા કે પીવાલાયક ન હોવા છતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો તેને પીવા માટે મજબૂર બન્યા છે.ગંદા પાણીના સતત વપરાશથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કમળો અને ચામડીના રોગો જેવા જીવલેણ રોગચાળો વકરવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.લોકોનો સીધો સવાલ છે કે મોંઘા વોટર ટેક્સ અને સફાઈ વેરો વસૂલ્યા પછી પણ પાલિકા ફિલ્ટર કર્યા વગરનું પાણી કેમ વિતરણ કરી રહી છે?
