સુરત શહેરમાં ગેરકાયદે ધમધમતા તપેલા ડાઈંગના એકમો સામે સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.સોમવારે 25 એકમોને સીલ કરી દેવાયા હતા. અત્યાર સુધી કતારગામ ઝોનમાં ટી.પી.સ્કીમ નં.24(ટુંકી)માં કુલ 135 મિલકતોને મનપા દ્વારા સીલ મારી દેવામાં આવી છે.આ એકમોમાં કાપડને રંગવા માટે વપરાતા કેમિકલયુક્ત રંગોનું દૂષિત પાણી સીધું ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવતું હોવાની તપાસમાં વિગતો સામે આવી હતી.

સ્થાનિક રહીશોએ મનપામાં ફરિયાદો કરી

વેડરોડ પંડોળમાં બિનઅધિકૃત રીતે તપેલા ડાઈંગનો વ્યવસાય કરવામાં આવતો હતો.આ એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવતું હતું, જેના કારણે ગંદા પાણીના નિકાલની લાઇન પીવાના પાણીની લાઇન સાથે ભળી જતાં પાણીની ગુણવત્તા જોખમાતી હોવાની ગંભીર બાબત સામે આવી હતી. આ પ્રકારનું દૂષિત પાણી લોકોના આરોગ્ય માટે પણ હાનિકારક હોવાથી સ્થાનિક રહીશોએ મનપામાં ફરિયાદો કરી હતી. 

ગેરકાયદે તપેલા ડાઈંગ સામે લાલ આંખ

ફરિયાદો અને સ્થળ તપાસના આધારે મનપાએ સંબંધિત મિલકતોના માલિકો અને સંચાલકોને બીપીએમસી એક્ટ-1949ની કલમ 268 હેઠળ નોટિસ પાઠવી બિનઅધિકૃત વપરાશ બંધ કરવા અને મિલકતો ખાલી કરવા અથવા દૂર કરવા સૂચના આપી હતી.નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ મનપાએ તબક્કાવાર સીલિંગની કાર્યવાહી શરૂ કરી હતી.જેમાં 29 ઓક્ટોબરે 52,30 ઓક્ટોબરે 58 અને 2 નવેમ્બરે વધુ 25 મિલકતોને સીલ કરવામાં આવી હતી.ત્રણ દિવસની કાર્યવાહીમાં કુલ 135 મિલકતો સીલ કરી મનપાએ ગેરકાયદે તપેલા ડાઈંગ સામે લાલ આંખ કરી છે.

આ પણ વાંચોઃ GSSSB: CCE પ્રિલિમ્સના માર્ક્સ જાહેર, 41 ઉમેદવારોનું પરિણામ અનામત