સુરતમાં ફરી એકવાર નકલી ખાદ્ય પદાર્થોનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમે પુણા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર પાસેના એક મકાન પર દરોડો પાડીને 315 કિલો જેટલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે.


પુણા વિસ્તારમાંથી ઝડપાયું નકલી પનીર

ફૂડ સેફ્ટી વિભાગને બાતમી મળી હતી કે એક મકાનમાં શંકાસ્પદ પનીરનો જથ્થો સંગ્રહિત છે. ટીમે તાત્કાલિક દરોડો પાડતા ત્યાંથી આ વિશાળ જથ્થો મળી આવ્યો હતો. આ પનીરની ગુણવત્તા અને બનાવટ શંકાસ્પદ જણાતા SMCની ટીમે સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો છે. SMCના ફૂડ સેફ્ટી ઓફિસરના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા જથ્થામાંથી 1 કિલો પનીરનો નમૂનો પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ આગામી 15 દિવસમાં આવવાની શક્યતા છે.

પનીરના જથ્થા સાથે એક વ્યક્તિની કરી અટકાયત

જો લેબોરેટરી રિપોર્ટમાં આ પનીર નેગેટિવ સાબિત થશે તો ચોક્કસથી જવાબદાર વ્યક્તિ અને સંસ્થા વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર નાગરિકોના આરોગ્ય સાથે થઈ રહેલા ગંભીર ચેડાંનો પર્દાફાશ કર્યો છે. તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આવા ભેળસેળિયા તત્વો વધુ સક્રિય બને છે. તંત્રની આ કાર્યવાહી આવકારદાયક છે. પરંતુ આવા કૌભાંડોને સંપૂર્ણપણે ડામવા માટે સતત મોનિટરિંગ અને કડક પગલાં ભરવા પણ જરૂરી છે.


  • Follow us on: