ગત દિવસોમાં સ્મીમેર મેડિકલ કોલેજના એનોટોમી વિભાગમાં લેવાયેલી ઈન્ટર્નલ એક્ઝામ એમબીબીએસના પ્રથમ વર્ષના એક વિદ્યાર્થીએ કરેલા કાંડને પગલે ભારે ચર્ચામાં આવી છે. વિદ્યાર્થીએ અહીંના એક પટાવાળાને પૈસા આપી ડિપાર્ટમેન્ટમાંથી લખેલી આન્સરબુક ઘરે લઈ જઈ નવેસરથી લખી હતી. ત્યારબાદ બીજા દિવસે પટાવાળાની વિદ્યાર્થીએ ઘરેથી લખેલી આન્સરબુક ડિપાર્ટમેન્ટમાં મૂકી ગયો હતો. જોકે, વિભાગના વડાને તેના પર શંકા જતા આખો ભાંડો ફૂટતા મામલો પાલિકા કચેરી સુધી પહોંચ્યો છે. આ ગંભીર ઘટનામાં કોઈ કડક કાર્યવાહી થઈ ન હોવાની ચર્ચા કોલેજ કેમ્પસમાં ઉઠવા પામી છે. 

આ વિદ્યાર્થીને આન્સરબુક આપી દીધી હતી

આ ઘટનાની મળતી વિગતો મુજબ એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની ઈન્ટર્નલ એક્ઝામ દરમિયાન એનોટોમી વિભાગના પેપર સારા ગયા નહોતા.જેથી તેણે અહીંના વિજય નામના પટાવાળાને ફોડી કાઢ્યો હતો.તેણે વિજયને પોતે લખેલી આન્સરબુક લાવી આપવાના બદલામાં રૂ.2 હજાર આપવાનું પ્રોમિસ કર્યું હતું.ત્યારબાદ પૈસાની લાલચમાં આવી વિજયે આ વિદ્યાર્થીને આન્સરબુક આપી દીધી હતી.જેના બદલામાં વિજયે તેની પાસેથી રોકડા રૂ.એક હજાર અને ઓનલાઈન રૂ.એક હજાર લીધા હતા.ત્યારબાદ બીજા દિવસે આ વિદ્યાર્થી ઘરેથી આન્સરબુક લખી લાવ્યો હતો અને વિજયને ફરી ડિપાર્ટમેન્ટમાં મૂકવા આપી હતી.વિજયે ડિપાર્ટમેન્ટમાં ચોરીછૂપીથી આન્સરબુક મૂકી પણ દીધી હતી,પરંતુ વિભાગના વડાની નજરથી વિજય બચી શક્યો નહોતો.

ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે કે નહીં? તેને લઈ ચર્ચા

પટાવાળાની મદદથી એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ કરેલો કાંડ સ્મીમેર કોલેજ કેમ્પસમાં ચર્ચાસ્પદ બન્યો છે.આ સાથે એવી પણ ચર્ચા ઉઠી રહી છે કે,આ પ્રકરણમાં મુખ્ય ભૂમિકા ભજવનારા પટાવાળાને પકડી પાડી તેની સામે કાર્યવાહી કરવા સુધીના પગલાં લઈ દાખલો બેસાડ્યો છે.પરંતુ ભૂતકાળમાં પણ આવી કોઈ બીજી ઘટનાઓ બની છે કે નહીં? તે બાબતે તપાસ કરવી પણ જરૂરી છે.

સમય કરતાં વહેલા આવતા પકડાઈ ગયો

સૂત્રોના કહેવા મુજબ વિજય ડિપાર્ટમેન્ટમાં નિયમિત સવારે સાડા નવથી દસ વાગ્યા દરમિયાન આવતો હતો.પરંતુ આન્સરબુક મૂકવા માટે તે દિવસે વિજય સવારે સાડા આઠ વાગે ડિપાર્ટમેન્ટમાં આવી પહોંચ્યો હતો.તેટલી વહેલી સમયે કડકડતી ઠંડીમાં વહેલા આવેલો જોઈ ડિપાર્ટમેન્ટના વડાને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી અને તેમણે સીસીટીવી કેમેરા ચેક કરતા આખો ભાંડો ફૂટી ગયો હતો.

સસ્પેન્ડ કરવા પાલિકા કચેરીમાં પત્ર લખ્યો છે

સ્મીમેરના ડીન ડો. દીપક હોવાલે કહ્યું હતું કે, આ પ્રકરણમાં કોલેજ પ્રશાસન દ્વારા કડક પગલાં લેવાયા છે.વિદ્યાર્થીને ફેલ કરવામાં આવ્યો છે.જ્યારે પટાવાળા વિજયની ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરી શરૂ કરવા સાથે સસ્પેન્ડ કરવા માટે પાલિકા કચેરીમાં તપાસના કાગળો સાથે પત્ર લખી મોકલી અપાયો છે.ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે અન્ય વિભાગોના તબીબી વડાઓને પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Latest News Live : ગુજરાતમાં મિશ્ર ઋતુની અસર શરૂ થઈ, ઠંડી અને ગરમી સાથે વરસાદની આગાહી