સુરતના સલાબતપુરા વિસ્તારમાં બનેલી હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળના ગંભીર ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સલાબતપુરા પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલા તમામ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ વિસ્તારમાં આતંક મચાવીને કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો, જેથી પોલીસ સપાટો બોલાવીને તેમની ધરપકડ કરી લીધી છે.
ગુના વાળી જગ્યાએ આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરાયું
ધરપકડ કર્યા બાદ સલાબતપુરા પોલીસ અને SOGની ટીમ તમામ પાંચેય આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જે જગ્યાએ ગુનો આચરવામાં આવ્યો હતો, ત્યાં સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) કરાવ્યું હતું. ગુનેગારોમાં કાયદાનો ભય જળવાઈ રહે અને સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય તે હેતુથી પોલીસે આ કડક કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી, જેને પગલે વિસ્તારના લોકોમાં રાહત જોવા મળી હતી.
