સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર વાગવાની કે ફેંકવાની ગંભીર ઘટના સામે આવતાં જ રેલવે તંત્ર અને પોલીસ કાફલામાં ભારે દોડધામ મચી ગઈ છે. સુરત શહેરના ઉત્રાણ રેલવે સ્ટેશન નજીકથી ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની ગંભીરતા એટલા માટે વધુ વધી જાય છે કે તે સમયે ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યા હોવાની વિગતો ચર્ચામાં છે.
કોચ નંબર C-6 અને C-10ની વિન્ડો ગ્લાસ પર પથ્થર વાગ્યા
વંદે ભારત ટ્રેન જેવી ઉત્રાણ સ્ટેશન નજીક પહોંચી કે તરત જ અચાનક બહારથી ટ્રેનના કોચ પર કોઈ વસ્તુ કે પથ્થર અથડાયાનો અવાજ આવ્યો હતો. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ટ્રેનના કોચ નંબર C-6 અને C-10ની વિન્ડો ગ્લાસ પર પથ્થર વાગ્યા હતા. જેના કારણે કાચમાં તિરાડો પડી ગઈ હતી. સદનસીબે, કવરિંગ ગ્લાસ મજબૂત હોવાથી કાચ તૂટીને અંદર પડ્યો ન હતો અને ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા બળ, રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો ત્વરિત હરકતમાં આવી ગઈ હતી.
