સુરતમાં સુમુલ ડેરીના ડિરેક્ટરો વચ્ચેના વિવાદે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચે વાયરલ થયેલા ઓડિયો ક્લિપના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ચાર ડિરેક્ટરોને નિવેદન માટે બોલાવ્યા છે. આ દરમિયાન ડિરેક્ટર ભરત પટેલે મીડિયા સમક્ષ ચોંકાવનારા આરોપો મૂક્યા છે.


[[$googlead]]

ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી અને નિવેદન

વાયરલ થયેલા ઓડિયો ક્લિપના મામલામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. આ મામલે પૂર્વ મંત્રી કાંતિ ગામીત, પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામીત, તેમજ ભરત પટેલ અને રેશા ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે. આ ચારેય ડિરેક્ટરોને નિવેદન માટે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થવા જણાવ્યું હતું. આ સંદર્ભમાં ભરત પટેલ અને રેશા ચૌધરી નિવેદન આપવા માટે પહોંચ્યા હતા. નિવેદન માટે પહોંચેલા ડિરેક્ટર ભરત પટેલે મીડિયા સાથે વાત કરતા અનેક ગંભીર આરોપો મૂક્યા હતા. તેમણે જણાવ્યું કે આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેમણે આદિવાસી બહેનોને નોકરીમાંથી કાઢી મૂકવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ અંગે તેમણે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

[[$alsoread]]

100 કરોડના કૌભાંડની વાત...

ભરત પટેલે આક્ષેપ કર્યો કે, આ વિરોધને કારણે તેમને અને અન્ય ડિરેક્ટરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "100 કરોડના કૌભાંડની વાત કરીને અમને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે." જોકે, ઓડિયો કોણે વાયરલ કર્યો તે અંગે તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું. ભરત પટેલના આ નિવેદન બાદ સુમુલ ડેરીનો વિવાદ હવે એક નવા જ સ્તરે પહોંચ્યો છે. જ્યાં એક તરફ ઓડિયો વાયરલ થવા મામલે તપાસ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ ભરત પટેલે કૌભાંડના આક્ષેપો કરીને મામલાને વધુ ગંભીર બનાવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ અને અન્ય ડિરેક્ટરોના નિવેદન બાદ જ આ સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવી શકશે.



  • Follow us on: