સુરત સ્થિત સુમુલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટરના એકાએક રાજીનામાને લઈને સહકારી અને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. નિવૃત્તિના 11 મહિના પહેલાં જ MD અરુણ પુરોહિતે રાજીનામું આપી દીધું છે અને અગાઉ હટાવાયેલા પી.આર. પાંડેને ઇન્ચાર્જ MD બનાવવામાં આવ્યા છે. વહીવટી ફેરફારના ભાગરૂપે એમડી અરુણ પુરોહિતનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ અચાનક લેવાયેલા આ નિર્ણય પાછળના કારણોને લઈને વિવિધ અટકળો તેજ બની છે.

ભાજપના આંતરિક ખટરાગ અને એક દાયકાથી ચાલતો જૂથવાદ

સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપના આંતરિક ખટરાગને કારણે ડિરેક્ટરો વચ્ચે જૂથવાદની સ્થિતિ ઊભી થઈ છે. સુમુલ ડેરીમાં છેલ્લા એક દાયકાથી ભાજપના બે જૂથ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હોવાનું માનવામાં આવે છે. સહકારી ક્ષેત્રની આ મહત્વપૂર્ણ સંસ્થામાં નેતૃત્વ અને વહીવટી નિર્ણયોને લઈને જૂથબંધીની અસર વારંવાર જોવા મળી છે, અને આ તાજેતરનો ઘટનાક્રમ પણ તે જ રાજકીય ખેંચતાણનો ભાગ હોવાની ચર્ચા છે.

A new twist in Sumul Dairy politics

અગાઉ પ્રમુખ પદની ચૂંટણી પણ બે વખત મોકૂફ રહી હતી

સુમુલ ડેરીના રાજકારણમાં અગાઉ પણ સત્તા અને જૂથવાદને લઈને ખેંચતાણ જોવા મળી છે. અગાઉ પ્રમુખ પદની ચૂંટણી પણ બે વખત મોકૂફ રાખવી પડી હતી, જેના કારણે સંસ્થાની આંતરિક રાજકીય ગતિવિધિઓ સતત ચર્ચામાં રહી છે. હવે એમડીના રાજીનામા અને ઇન્ચાર્જ તરીકે પી.આર. પાંડેની નિમણૂક બાદ આગામી દિવસોમાં સુમુલ ડેરીના વહીવટ અને રાજકારણમાં કેવા નવા વળાંક આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો