સુરત શહેરમાંથી શ્રમિક પરિવારો અને વાલીઓ માટે અત્યંત હ્રદયદ્રાવક અને આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે. સુરતના ભેસ્તાન આવાસ પાસે આવેલી સાઈ પવિત્ર રેસિડેન્સી ખાતે કન્સ્ટ્રક્શનની એક સાઈટ ચાલી રહી હતી. આ સાઈટ પર મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિક દંપતી કડિયા કામ કરી રહ્યા હતા. તેમની બે વર્ષીય માસૂમ પુત્રી રક્ષા પવાર સાઈટ પર જ રમતી હતી. દરમિયાન, રમતા-રમતા માસૂમ બાળકી અચાનક બીજા માળની ખુલ્લી જગ્યા પર પહોંચી ગઈ હતી અને અચાનક પગ લપસી જવાના કારણે બીજા માળેથી નીચે પટકાઈ હતી.
સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કરુણ મોત
બાળકી થોડીવાર દેખાઈ નહીં ત્યારે તેના પિતાએ તેની આસપાસ ભારે શોધખોળ શરૂ કરી હતી. પિતાએ જ્યારે નીચે નજર કરી ત્યારે બાળકી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં નીચે પટકાયેલી જોવા મળી હતી, જેનાથી માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક ધોરણે લોહીથી લથપથ માસૂમ બાળકીને સારવાર અર્થે સુરતની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ માસૂમ રક્ષાએ પોતાના પ્રાણ છોડી દીધા હતા અને તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
