સુરત જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના એટલે કે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માનસિક તણાવ કે ડિપ્રેશનનો ભોગ ન બને તે માટે તેમની માનસિક સ્થિતિ પર સતત નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે દરેક શાળા કક્ષાએ ફરજિયાતપણે વિશેષ કમિટીની રચના કરવાની કડક સૂચના જારી કરવામાં આવી છે.
પરીક્ષાનો તણાવ, ડિપ્રેશન અને પારિવારિક સમસ્યાઓ પર નજર
DEO દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, જો કોઈ વિદ્યાર્થીમાં પરીક્ષાનો અતિશય તણાવ, પારિવારિક સમસ્યાઓ, ઉદાસીનતા, ડિપ્રેશન કે વર્તનમાં ફેરફાર જેવા કોઈ પણ સંકેતો કે લક્ષણો જણાય તો શાળા તંત્રે તાત્કાલિક ધોરણે તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરવાનું રહેશે. શાળાઓમાં વિદ્યાર્થીઓને માનસિક રીતે સક્ષમ બનાવવા માટે અને તેમનામાં મેન્ટલ હેલ્થ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે.
