સુરત શહેરના સરસાણા ખાતે એક દિવસીય રાજ્યસ્તરીય આયુર્વેદ કોન્ફરન્સ 'GCAU વંદે આયુકોન-3'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર 1200થી વધુ આયુર્વેદ અને યુનાની તબીબો એક જ મંચ પર એકત્ર થયા છે. આ મહત્વપૂર્ણ પરિષદનું સત્તાવાર ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયા સહિત દેશ અને રાજ્યભરમાંથી આયુર્વેદ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક તબીબી નિષ્ણાતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઋષિ-મુનિઓની વૈદિક સંસ્કૃતિ અને આયુર્વેદિક જાગૃતિનો સંદેશ
કાર્યક્રમમાં તબીબોને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "આપણી પ્રાચીન વૈદિક પરંપરાઓને આપ સૌએ વર્ષોથી આયુર્વેદ તરીકે જીવંત રાખી છે તે બદલ હું આપ સૌનો આભાર માનુ છું. આયુર્વેદ કોઈ વિદેશી કે અમેરિકાનો ઉદ્ભવ નથી, પરંતુ આપણા દેશના મહાન ઋષિ-મુનિઓએ માનવ શરીરના નાનામાં નાના અંગના સ્ત્રોત અને રહસ્યો સમજીને આયુર્વેદ શાસ્ત્ર તૈયાર કર્યું છે." તેમણે ઉમેર્યું કે આજે આ કોન્ફરન્સ યોજવા પાછળનો મુખ્ય હેતુ લોકોમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને તેના ફાયદાઓ વિશે વધુમાં વધુ જાગૃતિ લાવવાનો છે.
