સુરત જિલ્લાના ઓલપાડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રૂચિકા પટેલને DDO દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ આ મામલે નવો વળાંક આવ્યો છે. સસ્પેન્ડેડ સરપંચ રુચિકા પટેલે મૌન તોડીને વિરોધીઓ અને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે તેમની સામે મોટું રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે અને તેમને ખોટી રીતે બલીનો બકરો બનાવવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ અન્યાય સામે પોતાની ન્યાયની લડત ચાલુ રાખશે.

અધિકારીઓની મંજૂરી બાદ જ ચૂકવાયા નાણાં

પોતાના પર લાગેલા 21 વિકાસકામોના ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે ખુલાસો આપતાં રુચિકા પટેલે જણાવ્યું હતું કે, પંચાયતમાં થયેલા તમામ કામોના ઠરાવ પંચાયતના તમામ સભ્યોની સહમતિ અને સહીઓથી જ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે નાણાં ચૂકવવામાં આવ્યા છે તે પણ સંબંધિત અધિકારીઓની પૂર્વ મંજૂરી અને ચકાસણી બાદ જ ચૂકવવામાં આવ્યા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો કામોમાં અનિયમિતતા હતી, તો માત્ર એકલા મારી સામે જ કેમ એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે?

ન્યાય માટે લડત ચાલુ રહેશે

સસ્પેન્ડેડ સરપંચે વધુમાં ઉમેર્યું હતું કે, તેમણે ભૂતકાળમાં ગામના તળાવ અને અન્ય વિકાસકામોમાં થયેલી ગડબડ મુદ્દે ઉચ્ચ કક્ષાએ અનેક ફરિયાદો કરી હતી, પરંતુ તે ફરિયાદોનો આજદિન સુધી કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી. તેના બદલે તેમને રાજકીય દ્વેષબુદ્ધિથી ટાર્ગેટ કરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રુચિકા પટેલે હુંકાર કર્યો હતો કે આ કાર્યવાહી સામે તેઓ કાનૂની અને સામાજિક રીતે લડત આપશે અને સત્ય સામે ન આવે ત્યાં સુધી તેમની આ લડાઈ જારી રહેશે.

આ પણ વાંચો : Aravalli બચાવો ઝુંબેશ તેજ, ગેરકાયદે ખનન રોકવા ભિલોડા અને બનાસકાંઠામાં સુપ્રીમ કોર્ટની કમિટી ત્રાટકી!