મોટી વેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય ટયૂશન શિક્ષિકાના આપઘાત માટે દુષ્પ્રેરણા આપનાર છેલબટાઉ યુવાન અને તેના પિતા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. યુવતીને નીલ દેસાઇ નામનો યુવક ટયૂશન ક્લાસિસમાં આવી તથા કોલ અને સોશિયલ મીડિયામાં મારફત ધાકધમકી આપી પુત્રીને આપઘાતના અંતિમ માર્ગ સુધી દોરી ગયાનો આક્ષેપ પિતાએ કર્યો હતો.


મોટી વેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય નેહા પટેલ (નામ બદલ્યું છે)એ રવિવારે સાંજે પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોતથી પરિજનો આઘાત પામી ગયા હતા. આ પાટીદાર યુવતીને છેલબટાઉ યુવક દ્વારા સંબંધ રાખવા માટે હેરાનગતિ કરી ધાકધમકી આપવામાં આવતી હોઇ તેણે આપઘાત કર્યાની વિગતો બહાર આવતાં આ પાટીદાર સમાજના અગ્રણી વિજય માંગુકીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. યુવતીને આપઘાત કરવા સુધી મજબૂર કરનાર છેલબટાઉ યુવક વિરુદ્ધ ગુનો નોંધી સખત સજા કરવાની માંગણી સાથે મોટી સંખ્યામાં લોકો સિંગણપોર પોલીસ મથકે પહોંચ્યા હતા. 19 વર્ષીય પુત્રીને અકાળે મોતના મુખમાં ધકેલનાર નીલ દેસાઇ નામના યુવક વિરુદ્ધ સમાજમાં જોવા મળી રહેલા આક્રોશ વચ્ચે યુવતીના પિતાએ નીલ દેસાઇ અને તેના પિતા વિષ્ણુ દેસાઇ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતા જ નીલ દેસાઇ છટકી ગયો હતો. જોકે પોલીસે તેના પિતા વિષ્ણુ દેસાઇને દબોચી લીધો હતો.


  • Follow us on: