સુરત શહેરમાં જાહેર માર્ગો પર સિગ્નલ સિસ્ટમ ખોરવી નાખતી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડતી શાતિર તસ્કર ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છેટ્રાફિક જંક્શનો પર લગાવેલા ઇન્વર્ટર બોક્સમાંથી બેટરીઓની ચોરી આચરતા બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલા તસ્કરો પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી, 2 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી મોટરસાઈકલ મળીને કુલ રૂ.1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
55 ટ્રાફિક સિગ્નલો પરથી 155 બેટરીઓ ચોરી કર્યાની કબૂલાત
પોલીસની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પકડાયેલા આરોપીઓએ શહેરના અલગ-અલગ 16 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા 55 જેટલા ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા. તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવીને અત્યાર સુધીમાં કુલ 155 જેટલી કિંમતી ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે, જેના કારણે ચોમાસા અને વીજ કાપ દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ થઈ જવાની સમસ્યાઓ સર્જાતી હતી.
