સુરત શહેરના અલથાણ વિસ્તારમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન અને હૃદયને વલોવી નાખતી એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. અલથાણ વિસ્તારમાં આવેલા 'લક્ષ્મી હોમ્સ' માં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની મનોહરસિંગના પરિવારમાં આઝાદીના આનંદ વચ્ચે માતમ છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમની 11 મહિનાની માસૂમ બાળકી ઘરમાં રમતા-રમતા અચાનક બાલ્કનીમાં પહોંચી ગઈ હતી. બાલ્કનીમાં પાણી ભરેલું એક ટબ રાખવામાં આવ્યું હતું, જેમાં રમતા-રમતા બાળકીનું મોઢું પાણીના ટબમાં ડૂબી જતાં આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.

પાણીના ટબમાં ડૂબી જવાથી માસૂમ બાળકીનું મોત

જ્યારે પરિવારનું ધ્યાન બાળકી પર ગયું ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. પાણી ભરેલા ટબમાં બેભાન હાલતમાં પડેલી માસૂમને તુરંત જ બહાર કાઢીને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ તપાસ કરીને માસૂમ બાળકીને મૃત જાહેર કરી હતી. ઘરના ફળિયામાં કિલકારા કરતી દીકરીના અચાનક અને આકસ્મિક અવસાનના સમાચાર સાંભળતા જ માતા-પિતા અને પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ

નાની વયના બાળકો ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને ઘરમાં ગમે ત્યાં પહોંચી જતા હોય છે. આ ઘટના તમામ વાલીઓ અને માતા-પિતા માટે એક મોટો સંદેશ અને ચેતવણી આપે છે કે ઘરમાં કે બાલ્કનીમાં ક્યારેય પણ પાણી ભરેલા ટબ, ડોલ કે ખુલ્લા કન્ટેનર વણઢાંક્યા કે ખુલ્લા ન છોડવા જોઈએ. થોડીક પણ અસાવધાની માસૂમ બાળકોનાજીવન માટે કેટલીઘાતક સાબિત થઈ શકે છે, તેનો આ કિસ્સો એક ઝલક પૂરી પાડે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો