સુરત જિલ્લામાં યુરિયા ખાતરની અછત લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, છેલ્લા ઘણા દિવસોથી જિલ્લામાં યુરિયા ખાતર માટે ખેડૂતો વલખા મારે છે. જ્યારે ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓમાં પણ યુરિયા ખાતર ન મળતા હાલમાં ચોમાસું ડાંગર રોપણી બાદ યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ના સમયે ન મળતા ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. સરકાર દ્વારા તાત્કાલિક યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવે એવી માગ કરી રહ્યા છે.
ખેડૂતો ખેતીકામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે
હાલમાં જે રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં યુરીયા ખાતરની અછતને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ અને ઉમરપાડા સહિતના તાલુકામાં નાના સીમાંત ખેડૂતો ખેતીકામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે, મુખ્યત્વે ચોમાસું આધારિત ખેતી પર આ વિસ્તારના ખેડૂતો નભે છે. ત્યારે હાલમાં ખેડૂતો રોપણી, વાવણી કામમાં જોતરાઈ ગયા છે, પરંતુ પુરક ખાતર તરીકે ઉપયોગમાં લેવાતાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
લાઈનમાં ખાતર લેવા ઉભા રહીએ ત્યારે નંબર આવતા આવતાં યુરિયા ખાતર પુરું થઈ જાય છે
વહેલી સવારથી મોડી સાંજ સુધી સહકારી મંડળીઓના દરવાજે યુરિયા ખાતર લેવા માટે લાંબી લાંબી કતારો જોવા મળે છે, જેમાં ખેડૂતો ભૂખ્યા તરસ્યા યુરિયા માટે લાઈનમાં ઊભા રહે છે. પરંતુ નંબર આવતા આવતાં યુરિયા ખાતર પુરું થાય છે અને વિલા મોઠે પરત ફરે છે. અત્યાર સુધી ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓમાં ખાતર મળતું હતું. પરંતુ ખાતરની કંપની દ્વારા યુરીયા ખાતરનો જથ્થો હાલ સહકારી મંડળીને ઓછો ફાળવતા ખાતરની અછત વર્તાઈ છે.









