સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા જાણીતા AR મોલમાં એક યુવતીની છેડતી કરવાની સનસનીખેજ ઘટના સામે આવી હતી. મોલમાં ખરીદી કે અન્ય કામ અર્થે આવેલી યુવતી સાથે એક યુવકે માનસિક વિકૃત હરકત કરીને છેડતી કરી હતી. આ સમગ્ર શરમનાક ઘટના મોલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વિડીયો ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને પોલીસ સુધી બાબત પહોંચતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મહિલા સુરક્ષા સામે સવાલો ઊભા થયા હતા.

ઉત્તરાણ પોલીસે આરોપીને દબોચ્યો

બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ઉત્તરાણ પોલીસ મથકની ટીમે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મોલના CCTV ફૂટેજની ઊંડાણપૂર્વક ચકાસણી કરીને પોલીસે આરોપીનું સગડ મેળવ્યું હતું. સીસીટીવીની મદદથી હાથ ધરાયેલી સઘન તપાસના આધારે ઉત્તરાણ પોલીસે ગણતરીના સમયમાં જ છેડતી કરનાર વિકૃત યુવકની ઓળખ કરી તેની અટકાયત કરી લીધી હતી. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Girl molested in Surat's AR Mall

20 વર્ષીય આરોપી IT પાર્કમાં કરે છે નોકરી

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ માનસિક વિકૃત હરકત કરનાર યુવક 20 વર્ષીય ભૌતિક વાઘેલા છે. આરોપી યુવક મોટા વરાછા વિસ્તારમાં જ આવેલા એક IT પાર્કમાં નોકરી કરે છે. ઉત્તરાણ પોલીસે આરોપી ભૌતિક વાઘેલા સામે કાયદેસરનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર સ્થળે યુવતીની છેડતી કરનાર સામે પોલીસે કડક વલણ અપનાવી દાખલારૂપ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો