સુરત શહેરમાં બેંક કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા અનોખા વિરોધ પ્રદર્શનના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ રસ્તા પર જ આડેધડ 300થી 400 જેટલાં વાહનો પાર્ક કરી દીધા હતા. આટલી મોટી સંખ્યામાં દ્વિચક્રી અને ચારચક્રી વાહનો રસ્તા વચ્ચે પાર્ક થઈ જવાથી અડધો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો અને માર્ગ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

સુરત ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી 

રસ્તા પર ચક્કાજામ થવાની અને વાહનચાલકો અટકાયા હોવાની જાણ થતાં જ સુરત ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રાફિક પોલીસે રસ્તા પર અવરોધરૂપ બનેલા અને નો-પાર્કિંગ ઝોનમાં મૂકવામાં આવેલા તમામ વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે સ્થળ પર જ તમામ વાહનોના નંબર નોંધીને ઈ-મેમો (E-Memo) જનરેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

દંડના ભયથી ગણતરીની મિનિટોમાં વિરોધ સંકેલાયો

પોલીસ દ્વારા કાયદેસરની આકરી કાર્યવાહી કરીને નો-પાર્કિંગના ઈ-મેમો ફટકારવાનું શરૂ કરાતાં જ બેંક કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દંડ અને ઈ-મેમો જનરેટ થતાં જ કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે રસ્તા પરથી પોતપોતાના વાહનો હટાવવાનું શરૂ કરી દીધું હતું. ગણતરીની મિનિટોમાં જ રસ્તા પરથી તમામ વાહનો દૂર થઈ જતાં બેંક કર્મચારીઓનો વિરોધ આટોપાઈ ગયો હતો અને ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો