હીરા અને ટેક્સટાઇલના શહેર સુરતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાના ત્રણ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. રાંદેર, લિંબાયત બાદ હવે પુણા વિસ્તારમાં પણ હત્યાની ઘટના બનતા સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે. ગુનાખોરીના આ વધતા સિલસિલાએ પોલીસની કામગીરીની નિષ્ક્રિયતા તરફ આંગળી ઉઠી રહી છે. સુરત શહેરમાં હત્યાનો ત્રીજો બનાવ પુણા વિસ્તારમાં બન્યો છે. જ્યાં રૂપિયાની લેતીદેતીના મામલે થયેલા વિવાદે એક યુવકનો ભોગ લીધો છે.
માથામાં ટાઇલ્સના ઘા ઝીંકીને હત્યા
ઘટનાની મળતી માહિતી અનુસાર, વિકી નામના યુવકે બિહારના લાલુ યાદવ નામના યુવકની માથામાં ટાઇલ્સના ઘા ઝીંકીને નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી છે. સામાન્ય આર્થિક વિવાદમાં થયેલી આ હત્યાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
આ પહેલા થઈ બે હત્યા
આ પહેલા, ગતરોજ રાંદેર અને લિંબાયતમાં પણ હત્યાના બનાવોએ શહેરને હચમચાવી દીધું હતું. લિંબાયતના સંજયનગર વિસ્તારમાં ધોળા દિવસે સુદામ પાટીલ નામના બુટલેગરની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવાઈ હતી. જ્યારે રાંદેર વિસ્તારમાં મિત્રની પત્નીએ તેના ભાઈઓ સાથે મળીને પતિના મિત્ર અજયની હત્યા કરી હતી અને પતિને પણ ચપ્પુના ઘા માર્યા હતા. આ ઘટના ઘરેલુ કંકાસને મનાવવા ગયેલા મિત્રના મોતનું કારણ બની હતી.
સુરતમાં ગુનાખોરીની ચરમસીમા
માત્ર 24 કલાકના સમયગાળામાં રાંદેર, લિંબાયત અને પુણા વિસ્તારમાં થયેલી આ ત્રણ હત્યાની ઘટનાઓ સુરતમાં ગુનાખોરીની ચરમસીમા દર્શાવે છે. હત્યા, લૂંટફાટ અને મારામારી જેવી ગંભીર ઘટનાઓમાં સતત વધારો થતાં સુરત શહેર હવે 'ક્રાઇમ સિટી' બનવા તરફ જઈ રહ્યું છે, તેવો ગણગણાટ લોકોમાં શરૂ થયો છે.