સુરતના ભાઠેના વિસ્તારમાં સર્જાયેલા ભયાનક ડંપર અકસ્માત મામલે સલાબતપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ડંપરે બાઈક પર સવાર બે યુવાનોને જોરદાર અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાયેલો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સ્પીડમાં હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો
અકસ્માતની ઘટના બાદ સલાબતપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ડંપર ચાલક પ્રમોદ યાદવની ધરપકડ કરી લીધી છે તેમજ અકસ્માત સર્જનાર ડંપરને પણ કબજે કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ડંપર ચાલક અત્યંત સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. જોકે, ડંપર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવાનું સામે આવ્યું છે, પરંતુ તે સમયે તે નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે.
