સુરત શહેરના ડિંડોલી-ભેસ્તાન રોડ પર મોબાઈલ સ્નેચિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન છીનવીને ભાગી રહેલા આરોપીને સ્થાનિક લોકોએ હિંમત દાખવીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્નેચરને ભાગવા દીધો ન હતો.
500 મીટર સુધી પીછો કરીને આરોપી ઝડપાયો
રાહદારીનો મોબાઈલ સ્નેચ કરીને આરોપી ભાગવા લાગતાં જ જાગૃત નાગરિકોએ તેની પાછળ દોડ મૂકી હતી. લોકોએ આશરે 500 મીટર સુધી આરોપીનો પીછો કરીને તેને ઘેરી લીધો હતો અને ઝડપી પાડ્યો હતો. લોકોએ આરોપીના કબજામાંથી ચોરી કરેલો મોબાઈલ ફોન પણ સલામત રીતે કબ્જે કરી લીધો હતો અને તાત્કાલિક ડિંડોલી પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.
