સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ વધુ એક જટિલ તબીબી પ્રક્રિયામાં સફળતા મેળવી દોઢ વર્ષના માસૂમ બાળકના જીવનું જોખમ ટાળ્યું છે. રમતા રમતા બાળક અચાનક ખુલ્લી સેફ્ટી પિન ગળી ગયો હતો. ખુલ્લી પિન અન્નનળીમાં ફસાઈ જતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને બાળકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પ્રક્રિયા અત્યંત પડકારજનક હતી

બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબો માટે આ પ્રક્રિયા અત્યંત પડકારજનક હતી. ખુલ્લી સેફ્ટી પિનને બહાર કાઢવામાં સહેજ પણ ભૂલ ગંભીર ઈજાનું કારણ બની શકતી હતી. જોકે નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કોઈપણ પ્રકારનો કાપકૂપ કે ચીરો મૂક્યા વગર આધુનિક પદ્ધતિથી સારવાર કરવાનો નિર્ણય લીધો હતો.

દૂરબીનની મદદથી પોણા કલાક સુધી ચાલેલી જટિલ પ્રક્રિયા 

તબીબોની ટીમે માત્ર દૂરબીનની મદદથી પોણા કલાક સુધી ચાલેલી જટિલ પ્રક્રિયા હાથ ધરી હતી. સાવચેતીપૂર્વક કરવામાં આવેલી આ પ્રક્રિયા બાદ બાળકની અન્નનળીમાંથી ખુલ્લી સેફ્ટી પિન સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. સર્જરી વગર જ પિન બહાર કાઢવામાં તબીબોને સફળતા મળતાં બાળકના પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

ખર્ચ આશરે રૂપિયા 50,000 થી 60,000 સુધી થઈ શકે

સામાન્ય રીતે આવા જટિલ કિસ્સાઓમાં ખાનગી હોસ્પિટલોમાં સેફ્ટી પિન જેવી વસ્તુ બહાર કાઢવા માટે સર્જરીની જરૂર પડી શકે છે, જેનો ખર્ચ આશરે રૂપિયા 50,000 થી 60,000 સુધી થઈ શકે છે. જોકે નવી સિવિલ હોસ્પિટલમાં બાળકની આ જટિલ સારવાર વિનામૂલ્યે કરવામાં આવતા શ્રમિક પરિવારને મોટી આર્થિક રાહત મળી છે.

માસૂમ બાળકનું જીવનું જોખમ ટળી ગયું

સફળ પ્રક્રિયા બાદ માસૂમ બાળકનું જીવનું જોખમ ટળી ગયું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોની આ સફળતાએ ફરી એકવાર સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ નિષ્ણાત સારવાર અને જટિલ તબીબી પ્રક્રિયાઓની ક્ષમતાને ઉજાગર કરી છે. 


આ પણ વાંચો :   Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ