સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર નવજાત બાળકોની ચોરી અથવા અદલાબદલીના વિવાદોને કારણે મીડિયાના સુખર્ખીઓમાં રહેતી હતી. ગરીબ અને શ્રમિક પરિવારોના બાળકોની સુરક્ષા સામે ઉઠતા સવાલોનો કાયમી અંત લાવવા માટે સિવિલ હોસ્પિટલ પ્રશાસન અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની ટીમ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

સાયરન વાગશે અને સુરક્ષા સ્ટાફ દોડશે

આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે NICUમાં દાખલ તમામ નવજાત બાળકોના હાથમાં એક ખાસ પ્રકારનો ડિજિટલ RFID ટેગ બાંધવામાં આવી રહ્યો છે. આ વોર્ડના મુખ્ય દરવાજાની બહાર સેન્સર ધરાવતું RFID મશીન (રીડર) ફિટ કરવામાં આવ્યું છે. જો કોઈ મહિલા કે પુરુષ, ડૉક્ટર કે નર્સિંગ સ્ટાફની સત્તાવાર મંજૂરી (ડિસ્ચાર્જ કે ટ્રાન્સફર પાસ) વિના બાળકને વોર્ડની બહાર લઈ જવાનો સહેજ પણ પ્રયાસ કરશે, તો આ મશીન સેન્સરને ડિટેક્ટ કરી લેશે. તુરંત જ ત્યાં હાઈ-ડેસિબલ બીપ (લાઉડ સાયરન) વાગવા માંડશે, જેનાથી ત્યાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સ અને મેડિકલ સ્ટાફ સેકન્ડોની અંદર એલર્ટ થઈ જશે અને શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેશે.

ઇન-હાઉસ કમ્યુનિકેશન માટે માઇક સિસ્ટમ

ડિજિટલ ટેગિંગની સાથે હોસ્પિટલે આઈસીયુની બહાર હાજર રહેતા દર્દીઓના સગા-સંબંધીઓ માટે કમ્યુનિકેશન વ્યવસ્થા પણ સુધારી છે. સામાન્ય રીતે ડેડિકેટેડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડ બહાર લોકો ભીડ જમાવીને ઉભા રહેતા હોય છે, જેનાથી સેનિટેશન અને સિક્યોરિટી બંને જોખમાય છે. આ સમસ્યાના ઉકેલ માટે અલગથી પબ્લિક અડ્રેસ (માઇક) સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ડૉક્ટરોએ જ્યારે પણ કોઈ બાળકના માતા-પિતા કે સગાને અંદર બોલાવવા હશે અથવા દવા-રિપોર્ટ અંગે મહત્વની સૂચનાઓ આપવી હશે, ત્યારે તેઓ અંદરથી જ માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરશે. આ આધુનિક પહેલથી સિવિલ હોસ્પિટલની છબી વધુ હાઇટેક અને સેફ બની છે, જેને લઈને નવજાત શિશુઓની માતાઓએ મોટો હાશકારો અનુભવ્યો છે.

આ પણ વાંચો: Junagadh: ઘેડ પંથક પૂરના પાણીમાં ગરકાવ, ખેતરોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા