સુરતના અદાણી હજીરા પોર્ટ ખાતે દેશમાં પ્રથમ વખત કોમર્શિયલ પોર્ટ માટેના ભારતના પ્રથમ સ્ટીલ સ્લેગના ઉપયોગથી નિર્મિત 1.1 કિલોમીટર લંબાઈના ટુ લેન રોડ સેક્શનને નીતિ આયોગ (વિજ્ઞાન અને ટેકનોલોજી)ના સભ્ય ડો.વિજયકુમાર સારસ્વતના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. ભારતના આ ત્રીજા સ્ટીલ સ્લેગ રોડનું અદાણી પોર્ટમાં નિર્માણ થયું છે. પરંતુ વૈશ્વિક સ્તરે કોઈ વાણિજ્યીક બંદરમાં બાંધવામાં આવ્યો હોય એવો આ પ્રથમ રસ્તો છે.


કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવાનું ઉત્તમ ઉદાહરણ

આ પ્રસંગે ડો. વિજયકુમાર સારસ્વતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેસ્ટ-ટુ-વેલ્થ’ વિઝન હેઠળ સ્ટીલ સ્લેગ રોડ નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ ઔદ્યોગિક કચરાનો પુનઃઉપયોગ કરીને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સ્ટીલ પ્રોસેસ્ડ સ્લેગના 100 ટકા ઉપયોગથી બનાવવામાં આવેલો રસ્તો વેસ્ટને વેલ્થમાં એટલે કે કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવાનું ઉત્તમ ઉદાહરણ છે. રિસાયકલીંગ એ સમયની માગ છે. સ્ટીલ સ્લેગનો પુનઃઉપયોગ પરંપરાગત ખડકો-પહાડોમાં ખાણકામની જરૂરિયાત ઘટાડે છે એમ જણાવી નીતિ આયોગના સભ્ય વિજયકુમાર સારસ્વતે ઉમેર્યું કે ઈકો ફ્રેન્ડલી એવા આ પ્રકારના રસ્તાઓ બિટુમેન રસ્તાઓ કરતા અનેકગણા સસ્તા અને મજબૂત હોવાથી દેશના અર્થતંત્રને આર્થિક ફાયદો કરાવે છે.

આ એક નવીન અને પર્યાવરણને અનુકૂળ તકનીક

સિનિયર પ્રિન્સીપલ સાયન્ટિસ્ટ અને સ્ટીલ સ્લેગ રોડ ટેક્નોલોજીના શોધક (CSIR-CRRI, નવી દિલ્હી) સતિશ પાંડેએ જણાવ્યું હતું કે, રસ્તાના બાંધકામમાં સ્ટીલના વેસ્ટનો ઉપયોગ બાંધકામના ખર્ચને 40 ટકા સુધી ઘટાડવામાં સફળતા મળી છે. કારણ કે સ્લેગ-આધારિત સામગ્રી ટકાઉ રોડ બનાવવાના ખૂબ ઉત્તમ ગુણધર્મો ધરાવે છે. આ રોડ પરથી મેળવેલા અનુભવને દેશમાં સ્ટીલ સ્લેગના વ્યાપક ઉપયોગ માટેના રોડમેપ બનાવવામાં લાગુ કરવામાં આવી રહ્યો છે. આ રોડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ઈનોવેશન અને ઔદ્યોગિક ઈકોલોજીની પ્રતીતિ કરાવે છે. વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા CSIR ના ડિરેક્ટર જનરલ અને DSIR (કેન્દ્ર સરકાર)ના સચિવ ડો. એન. કલાઈસેલ્વીએ કહ્યું કે, સ્ટીલ સ્લેગ રોડ ટેકનોલોજી એ સ્ટીલ ઉત્પાદન પ્રક્રિયાના બાય પ્રોડક્ટ તરીકે મળતા સ્ટીલ સ્લેગનો રસ્તા બાંધકામમાં ઉપયોગ કરવાની એક નવીન અને પર્યાવરણને અનુકૂળ તકનીક છે. સ્લેગ એ ઔદ્યોગિક કચરો હોવાથી તેનો ઉપયોગ બાંધકામ સહિતના ખર્ચ ઘટાડે છે.
 
  • Follow us on: