સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ઓનલાઇન ફ્રોડના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને મહત્વની સફળતા મેળવી છે. સાયબર માફિયાઓ સાથે મળીને નિર્દોષ નાગરિક સાથે રૂ.6.31 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સાયબર ક્રાઈમના આંતરરાજ્ય નેટવર્ક સાથેના તાર જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.
સાયબર ફ્રોડના નાણાં મેળવ્યાની કબૂલાત
સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે આ ગુનામાં સંકળાયેલા આરોપી દીન મોહમદ રોજુદ્દીન શેખને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીએ પોતાનું ક્રેડિટ કાર્ડ સાયબર ફ્રોડ આચરતા માફિયાઓને ભાડે આપ્યું હતું. ફરિયાદી પાસેથી ઠગેલી રકમમાંથી આરોપીના ક્રેડિટ કાર્ડમાં રૂ.2,28,226 જમા થયા હતા, જેમાંથી તેને કમિશન પેટે રૂ.22,000 મળ્યા હોવાનું સામે આવ્યું છે.
