સુરતની નવી સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાત કેસમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પ્રાથમિક તપાસ અને સઘન પૂછપરછ દરમિયાન મૃતક ડોક્ટર સાથે રેગિંગ થયું હોવાના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે. સિનિયર ડોક્ટરો દ્વારા આપવામાં આવતા સતત માનસિક ત્રાસના કારણે જ કંટાળીને આ આત્યંતિક પગલું ભરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થતાં હોસ્પિટલ પરિસરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

4 સિનિયર રેસિડેન્ટ તબીબો સામે કડક પગલાં

રેગિંગની ગંભીર બાબત સામે આવતાં જ હોસ્પિટલ અને કોલેજ તંત્ર દ્વારા ત્વરિત અને આકરાં પગલાં ભરવામાં આવ્યા છે. રેગિંગમાં સંડોવાયેલા ચાર સિનિયર રેસિડેન્ટ તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ચારેય આરોપી તબીબોની ઓળખ થઈ છે: ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. હિના ભૂત, ડો. દીક્ષિતા સેસારિયન.

હોસ્પિટલ, હોસ્ટેલ અને ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરાયા

દોષિત ઠરેલા આ ચારેય સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને ૬ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ શિસ્તભંગની કાર્યવાહી હેઠળ તેમને હોસ્પિટલની કામગીરી, હોસ્ટેલ નિવાસ તેમજ તમામ પ્રકારની ટીચિંગ એક્ટિવિટીમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, ખટોદરા પોલીસે આ મામલે રેગિંગ પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધીને ચારેય ડોક્ટરો સામે કાયદાકીય શિકંજો કસવાની તજવીજ હાથ ધરી છે.

રાજ્ય સરકારને સત્તાવાર રિપોર્ટ સોંપાયો 

મેડિકલ વિદ્યાર્થી ડૉ. હર્ષના આપઘાત મામલે કમિટીએ મોડી રાત સુધી પૂછપરછ બાદ રાજ્ય સરકારને સત્તાવાર રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટના આધારે મોટી કાર્યવાહી કરતા 4 સિનિયર ડોક્ટરોને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરીને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા આદેશ અપાયો છે. આ ઉપરાંત, માઇક્રોબાયોલોજી વિભાગના વડા સહિત ચાર લોકોને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો