નવરાત્રિ અને દિવાળીના આગામી તહેવારોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસે ખાદ્યચીજોમાં ભેળસેળ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલા અબ્રામા રોડ પર મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઉતરાણ વિસ્તારમાંથી મોટા પાયે શંકાસ્પદ અને નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાઈ ગયું હતું.

કુલ 18 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

કારખાનામાં તપાસ દરમિયાન ટીમ દ્વારા કુલ 1694 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવટમાં વપરાતું વનસ્પતિ ડાલડા ઘી, સોયાબીન તેલ, ઘી બનાવવા માટેના મશીનો તેમજ પેકિંગ મટીરિયલ મળીને કુલ રૂપિયા 18 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પરથી ઘીના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

Factory manufacturing fake ghee found in Surat's Aurang

કલ્પેશ મોદી અને કિશાન મોદીની અટકાયત

શંકાસ્પદ ઘીના કારખાના પર દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી કારખાનું ચલાવતા કલ્પેશ મોદી અને કિશાન મોદી નામના બે શખ્સોની અટકાયત કરી છે. તહેવારોમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ કારોબાર પાછળ અન્ય કયા વેપારીઓ કે સપ્લાયરો સંકળાયેલા છે તે દિશામાં પોલીસે કાયદેસરની સઘન પૂછપરછ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો