સુરતમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ થઈ ગયું છે. શાળાઓ ખૂલવા સાથે જ ચોમાસાની સિઝન શરૂ થઈ. રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં મેઘરાજાનું તાડંવ જોવા મળ્યું. ભારે વરસાદના કારણે વિસ્તારો જળબંબાકાર થયા તો કયાંક બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આવી સ્થિતિમાં સુરત DEO એક્શન મોડમાં આવતા શાળાઓને તકેદારી રાખવા સૂચનો કર્યા છે.
શાળાઓને તકેદારીના પગલા લેવા DEOની સૂચના
અત્યારે ચોમાસાના સિઝન શરૂ થતાં જ વરસાદનો કહેર જોવા મળ્યો. હાલમાં જ વરસાદી પાણી ભરાતા એક શાળાના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. તેમને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા. એટલે હવે સુરત DEOએ પણ અગમચેતીના ભાગ રૂપે શાળાઓને વિદ્યાર્થીઓની સલાતીને ધ્યાનમાં લેતા કેટલાક મહત્વના સૂચનો કર્યા છે. જે અંતર્ગત શાળાઓની બિલ્ડીંગમાં જર્જરીત ભાગને તોડી નાંખવામાં આવે અને આવા વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થીને પ્રવેશ ના આપવામાં આવે તેમ જણાવ્યું. આ ઉપરાંત જર્જરીત ભાગને તોડી પુનઃનિર્માણ કરવામાં આવે. તેમજ કોઈ વિજળી સંબંધિત અકસ્માત ના થાય માટે વર્ગખંડોમાં વાયરિંગ અને કનેકશનની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે.
DEOની સૂચનાનું પાલન કરવાનું રહેશે
શહેર અને જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોએ DEOની આ સૂચનાનું પાલન કરવાનું રહેશે. વરસાદના પ્રકોપને લઈને શાળાઓને તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળાઓને વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતા ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતિ હોય તેવી પરિસ્થિતિમાં સ્કૂલોને સ્થિતિને અનુરૂપ રજા જાહેર કરવાની છૂટ આપી છે. તેમજ વિદ્યાર્થીઓ પણ સ્થિતિથી અવગત થાય માટે પ્રાર્થના સભામાં તેમને કુવા, નદી, નાળામાં નાહવા ના જવાના નિર્દેશ કરવા સૂચન કરાયા છે.
વરસાદે ખોલી તંત્રની પોલ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાના આરંભે જ વહીટંત્રની કામગીરીની પોલ ખુલી છે. પહેલા વરસાદમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. તો કયાંક રસ્તાઓ પર ખાડા પડ્યા, તો કયાંક મોંઘા ખર્ચે બનાવવામાં આવેલ હાઈવેના માર્ગો તૂટતા વાહનચાલકો અટવાયા. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હોવાની ઘટનાઓ સામે આવી હતી.









