સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે આક્રમક ઝુંબેશ ચાલુ રાખી છે. સતત ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વ્યાપક તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ટીમે કુલ 280 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટોમાં ચકાસણી કરીને માનવ વપરાશ માટે અયોગ્ય એવા 1,413 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.
તાકીદના ધોરણે 14 હોટલો બંધ કરાવાઈ
તપાસ દરમિયાન આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને ગંદકી વચ્ચે ખોરાક બનાવનાર 148 હોટલ-રેસ્ટોરન્ટોને મનપા દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત, અત્યંત ગંભીર બેદરકારી અને અસ્વચ્છતા જણાતાં 14 હોટલ અને રેસ્ટોરન્ટોને તાત્કાલિક અસરથી બંધ (સીલ) કરી દેવાનો આકરો આદેશ આપવામાં આવ્યો છે. નિયમોનો અનાદર કરવા બદલ અને અસ્વચ્છતા રાખવા બદલ તંત્ર દ્વારા સ્થળ પર જ કુલ રૂપિયા 4.99 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
