સુરત જિલ્લાના કામરેજ તાલુકા અંતર્ગત આવતા માછી ગામે તાપી નદીના પટમાં બેરોકટોક અને ગેરકાયદેસર રીતે ચાલી રહેલા રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી અને સહારનીય કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક સ્તરેથી મળતી વ્યાપક ફરિયાદો અને રજૂઆતોને ધ્યાને લઈને ખાણ ખનીજ વિભાગની ટીમ સક્રિય બની હતી. વિભાગ દ્વારા મોડી રાત્રે અચાનક માછી ગામના નદી કિનારે દરોડા (રેડ) પાડવામાં આવ્યા હતા, જેના કારણે રેતી માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

અંદાજે રૂ.5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો

ખાણ ખનીજ વિભાગની ટીમે સઘન તપાસ હાથ ધરીને તાપી નદીના પાણીમાંથી ગેરકાયદે રેતી કાઢવા માટે ઉપયોગમાં લેવાતી એક યાંત્રિક નાવડી (બોટ) તેમજ અન્ય સાધનો સહિત કુલ રૂ.5 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાત્રિના સુમારે કરવામાં આવેલી આ અચાનક કાર્યવાહીથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે. વિભાગ દ્વારા ગેરકાયદે ખનન કરનારાઓ વિરુદ્ધ નિયમોનુસાર દંડકીય અને કાયદેસરની સખત કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તંત્રની સઘન ઝુંબેશ 

પ્રાકૃતિક સંસાધનોની ચોરી અને નદીઓના પટને નુકસાન પહોંચાડતા તત્વો સામે વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ અને દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. પર્યાવરણ અને નદીઓની સુરક્ષા માટે ખાણ ખનીજ વિભાગની આ કડક કામગીરીથી સ્થાનિક સ્તરે સંતોષની લાગણી ફેલાઈ છે અને ગેરકાયદે ધંધાર્થીઓમાં કાયદાનો ડર ઊભો થયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો