સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મોડી રાત્રે કન્સ્ટ્રક્શન સાઇટ પર ટ્રક ડ્રાઇવરોને ચપ્પુ બતાવી લૂંટ ચલાવનાર ટોળકીનો સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જહાંગીરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે અડાજણ સરદાર બ્રિજ નીચેથી પ્રમોદ ઉર્ફે જાડીયો પાટીલ અને સત્યમકુમાર ઝા નામના બે શક્તિશાળી ગુનેગારોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ દિવાળીના ખર્ચ માટે ચપ્પુની અણીએ ટ્રક ડ્રાઇવરોને નિશાન બનાવી રોકડ અને ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવી હતી.
ચપ્પુ બતાવી લૂંટ અને ઓનલાઇન રૂ.4 હજાર પડાવ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈ ટ્રક ડ્રાઇવર પાસે રોકડ રકમની માંગણી કરી હતી. લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા એક વ્યક્તિના હાથમાં ચપ્પુ મારીને ઈજા પહોંચાડી હતી. એક ડ્રાઇવર પાસે રોકડા નાણાં ન હોવાથી આરોપીઓએ બળજબરીથી ઓનલાઇન રૂ.4,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા અને બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલી મોટરસાયકલ, મોબાઇલ્સ અને રોકડ રકમ કબ્જે કરી છે.
