સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવીને કાપોદ્રા વિસ્તારમાં રૂ.65 લાખની માતબર રકમની છેતરપિંડી આચરી છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી સાગર માધવજીભાઈ સુતરીયાને શહેરના સહારા દરવાજા વિસ્તારમાંથી દબોચી લીધો છે. આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રોકાણના નામે લાખો રૂપિયા પડાવી ફરાર થયો હતો

પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, આરોપી સાગર સુતરીયાએ ફરિયાદીઓ અને અન્ય લોકો પાસેથી ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) પર ઊંચા વળતરની લાલચ આપીને કટકે કટકે રૂ.65 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. નાણાં મેળવ્યા બાદ આરોપી રકમ પરત આપ્યા વિના રાતોરાત ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઠગાઈ અંગે ભોગ બનનારાઓ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

વિવિધ રાજ્યોમાં આશરો લીધા બાદ આખરે ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો

કાપોદ્રા પોલીસ મથકે ગુનો નોંધાતાં જ આરોપી પોલીસ પકડથી બચવા માટે મુંબઈ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા અલગ-અલગ રાજ્યોમાં પોતાના ઠેકાણા બદલીને નાસતો ફરતો હતો. ગત દોઢ વર્ષથી વોન્ટેડ આ આરોપી સુરત આવ્યા હોવાની ચોક્કસ બાતમી મળતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને તેને સહારા દરવાજા પાસેથી પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો