સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્નના કૌટુમ્બિક વિવાદમાં અપહરણની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરો અને દીકરી ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં ઉશ્કેરાયેલા દીકરીના પિતા અને તેમના પરિવારે વેવાઈનું જ અપહરણ કરી લીધું હતું. કાપોદ્રા વિસ્તારમાં આવેલ સીમાડા નાકા પાસેની શક્તિવિજય સોસાયટી પાસેથી ગત રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે આ સમગ્ર વારદાતને અંજામ આપવામાં આવ્યો હતો.

ગાડીમાં આવીને બળજબરીથી કરી ગયા અપહરણ

જયંતીભાઈનો દીકરો અને ભરતભાઈ મકવાણાની દીકરી તાજેતરમાં પ્રેમલગ્ન કરવા માટે ભાગી ગયા હતા. પોતાની દીકરીને કોઈપણ ભોગે પાછી મેળવવાના આશયથી ભરતભાઈ મકવાણા અને તેમના પરિવારે આ કાવતરું રચ્યું હતું. ભરતભાઈનો પરિવાર અમદાવાદથી આવેલી ગ્રે કલરની ઈકો ગાડીમાં આવ્યો હતો અને સીમાડા નાકા પાસે જયંતીભાઈને આંતરીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કરી ભાગી છૂટ્યા હતા.

પોલીસે હોટલમાંથી આરોપીઓને દબોચ્યા

બનાવ અંગે ભોગ બનનાર જયંતીભાઈના પરિવારે તાત્કાલિક કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક કરીને મદદ માંગી હતી. ઘટનાની ગંભીરતા જોઈ કાપોદ્રા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે સુરતથી આશરે 40 કિલોમીટર દૂર કોસંબા નજીક આવેલા ધમરોડ ગામની 'શિવશક્તિ હોટલ'ના પાર્કિંગમાંથી આરોપીઓને ઘેરી લીધા હતા. પોલીસે પીડિત જયંતીભાઈને સહીસલામત મુક્ત કરાવીને આરોપીઓને દબોચી લીધા હતા તથા રૂ. 2,40,000ની કિંમતની ઈકો ગાડી અને મોબાઈલ ફોન જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો