દિવાળીના પવિત્ર તહેવારોની ખુશી વચ્ચે સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દેતી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. કતારગામના ગોતાંલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી એક અજાણ્યા યુવકનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઓળખ છુપાવવાના ઈરાદે માથું કાપીને કરવામાં આવેલી આ ઘાતકી હત્યાના પગલે કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

30 હજાર રૂપિયાની અદાવતમાં મિત્રએ જ આચર્યું પાપ

પોલીસ તપાસમાં મૃતકની ઓળખ અમરોલી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય સંજય તરીકે થઈ છે. જ્યારે આ જઘન્ય હત્યાને અંજામ આપનાર આરોપી તેનો જ મિત્ર સચિત્રકુમાર બાલ હોવાનું બહાર આવ્યું છે. મૃતક સંજય અને આરોપી સચિત્રકુમાર બંને મૂળ ઓડિશાના વતની છે અને કતારગામ GIDCમાં લૂમ્સના કારખાનામાં સાથે કામ કરતા હતા. આરોપીને સંજય પાસેથી 30 હજાર રૂપિયા લેવાના બાકી હતા, જેને લઈને બંને વચ્ચે અણબનાવ અને મનદુઃખ ચાલતું હતું. આ જ અદાવતમાં આરોપીએ સંજયને પોતાના ઘરે બોલાવ્યો હતો.

કોયતાથી ગળું કાપીને ધડ કબ્રસ્તાનમાં ફેંકી દીધું

પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, ઘરે આવ્યા બાદ તેણે દિવસ દરમિયાન સંજયના બંને હાથ બાંધી દીધા હતા અને મટન કાપવાના કોયતાથી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ઓળખ છુપાવવા માટે તેણે મૃતકનું માથું ધડથી અલગ કરી દીધું હતું. હત્યા બાદ મોડી રાત્રે આરોપીએ માથા વગરનું નગ્ન ધડ પોતાના ઘરથી માત્ર 150 મીટર દૂર આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાં ફેંકી દીધું હતું. કબ્રસ્તાનમાં ઘાસ ઊગી નીકળ્યું હોવાને કારણે અને રાત્રે સિક્યુરિટી ગાર્ડ ઊંઘતો હોવાથી આ વાત કોઈના ધ્યાને આવી નહોતી.

પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને દબોચ્યો

3 નવેમ્બરની રાત્રે કતારગામ પોલીસને કબ્રસ્તાનમાં લાશ પડી હોવાની બાતમી મળતાં પોલીસ ટીમ એફએસએલ (FSL) અને ડોગ સ્કવોડ સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રની ધરપકડ કરી લીધી હતી. આરોપીની નિશાનદેહી પર પોલીસે ઘટનાસ્થળથી ૩ કિલોમીટર દૂર અલકાપુરી બ્રિજ નીચે રેલવે પાટરી પાસેથી ઝાડી-ઝાંખરામાંથી કપાયેલું માથું પણ કબજે કર્યું હતું. પોલીસે આરોપી સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પીએમ તથા ડીએનએ પ્રોસેસ માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો