સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી બાળ સુરક્ષા અને કાયદાના અમલીકરણ અંગેનો એક મહત્ત્વનો અને દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાને સામાન લેવા ગયેલી માસૂમ બાળકી સાથે ગુનો આચરનાર દુકાનદાર સામે નામદાર કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખીને આરોપીને 20 વર્ષની સખત કેદની આકરી સજા ફટકારી છે. આ ચુકાદાથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અશ્લીલ વીડિયો બતાવી ધમકી આપનારને રૂ.60,000નો દંડ
ઘટનાની વિગતો અનુસાર આરોપી સલાઉદ્દીન મુબારક હુસૈન અંસારીએ દુકાને આવેલી બાળકીને પોતાના મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવ્યો હતો. ત્યારબાદ બાળકી સાથે શારીરિક અડપલાં કરીને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ચકચારી મામલે પીડિત પરિવારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપી સલાઉદ્દીન અંસારીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની ચાર્જશીટ રજૂ કરી હતી.
