સુરતના લિંબાયતમાં બનેલી એક મોટી ઘરફોડ ચોરીની ઘટનામાં સુરત પોલીસને સફળતા મળી છે. ગત 7 તારીખના રોજ ડૂભાલ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરના બંધ ઘરમાં અજ્ઞાત તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની કિંમતી મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળની મુલાકાત લઈ આજુબાજુના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

'ફેસ મેચ' ટેકનોલોજીથી આરોપીની ધરપકડ

પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને 'ફેસ મેચ' (Face Match) એપ્લિકેશન દ્વારા શંકાસ્પદ વ્યક્તિના ચહેરાની ચકાસણી કરી હતી. આ ટેકનોલોજીની મદદથી આરોપીની ઓળખ અંકુશ કાલે તરીકે થઈ હતી. પકડાયેલ આરોપી સામાન્ય ચોર નથી, પરંતુ તેની સામે અગાઉ ચોરી, ઘરફોડ અને મારામારી જેવા 102થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ શાતીર ગુનેગાર લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યો હતો, પરંતુ આ વખતે આધુનિક ડિજિટલ ટેકનોલોજીની મદદથી પોલીસ તેને ઝડપી પાડવામાં સફળ રહી છે.

5થી વધુ ચોરીના ભેદ ઉકેલાયા

પોલીસે કુખ્યાત આરોપી અંકુશ કાલેની ધરપકડ કરીને તેની પાસેથી 116 ગ્રામ સોનાના દાગીના તેમજ 246 ગ્રામ ચાંદીના ઘરેણાં સહિત કુલ 15 લાખ રૂપિયાથી વધુની કિંમતનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ સફળ કામગીરીથી માત્ર ફાયર ઓફિસરના ઘરની ચોરી જ નહીં, પરંતુ લિંબાયત અને આસપાસના વિસ્તારોમાં થયેલી અન્ય ૫થી વધુ ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ભેદ પણ ઉકેલાઈ ગયા છે. પોલીસની આ ત્વરિત અને સફળ કામગીરીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો