નવરાત્રીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં ગરબા આયોજકોની ગંભીર બેદરકારી સામે આવી છે. સુરત શહેરમાં આશરે 23 જેટલા મોટા કોમર્શિયલ ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, પરંતુ મોટાભાગના આયોજકોએ હજુ સુધી ફાયર એનઓસી (NOC) કે પોલીસ વિભાગની કાયદેસરની પરવાનગી મેળવી નથી. આ સ્થિતિમાં જો કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

પોલીસ કમિશનરે આયોજકો સાથે યોજી મહત્વની બેઠક

ગરબા આયોજકોની બેદરકારી અને ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાને રાખીને સુરત પોલીસ કમિશનરે તમામ મોટા ગરબા આયોજકો સાથે તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કમિશનરે તમામ આયોજકોને સ્પષ્ટ અને આકરા શબ્દોમાં સૂચના આપી છે કે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં ફાયર સેફ્ટી અને પોલીસ વિભાગની તમામ મંજૂરીઓ સત્વરે મેળવી લેવાની રહેશે. પરવાનગી વિના કોઈપણ કોમર્શિયલ ગરબાનું આયોજન કરવા દેવામાં આવશે નહીં.

સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ

પોલીસ કમિશનરે આયોજન સ્થળો પર સીસીટીવી કેમેરા, પૂરતી સિક્યુરિટી, ઈમરજન્સી એક્ઝિટ અને પાર્કિંગની સુચારુ વ્યવસ્થા ઉભી કરવા આદેશ આપ્યા છે. નિયમોનું પાલન ન કરનાર કે વગર પરવાનગીએ ગરબા યોજનાર આયોજકો સામે કાયદેસરના આકરાં પગલાં ભરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ખેલૈયાઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન સાંખી લેવામાં આવશે નહીં તેમ તંત્રે સ્પષ્ટ કર્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો