સુરત શહેરની પુણા પોલીસે એક મોટી સફળતા મેળવીને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ કરી છે. પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી (એક્સ્ટોર્શન) અને આઈટી એક્ટ (IT Act) ના ગંભીર ગુનાઓમાં તે લાંબા સમયથી પોલીસને ચકમો આપી નાસતી ફરતી હતી. સુરત પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ લોકેશન ટ્રેસ કરીને આરોપી નયનાને ગીર સોમનાથના સાસણગીર વિસ્તારમાંથી દબોચી લીધી હતી.
અગાઉ પણ મારામારી અને એટ્રોસિટી સહિત 6 ગુનાઓ નોંધાયેલા
મૂળ ભાવનગર જિલ્લાના સિહોર પંથકની વતની 33 વર્ષીય નયના બારૈયાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના સામે આ અગાઉ પણ ભાવનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી (Atrocity) સહિતના કુલ 6 જેટલા ગંભીર આપરાધિક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ ખાતામાં હોવા છતાં સતત વિવાદો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી રહેતા તેને અગાઉ જ સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.
