સુરત શહેરમાં ચકચાર જગાવનાર નાઝીર નગર (નાસીર નગર) ડિમોલેશન પ્રકરણમાં એક મોટો વળાંક આવ્યો છે. ડિમોલેશન બાદ ખુલ્લા આકાશ નીચે આવી ગયેલા અસરગ્રસ્ત પરિવારોને આવાસ ફાળવવામાં વહીવટી તંત્રએ હાથ ખંખેર્યા છે. મનપાના ડિપાર્ટમેન્ટ ઓફ એફોરડેબલ હાઉસિંગ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એક દરખાસ્ત મૂકવામાં આવી હતી કે, જાહેર દબાણ દૂર કરવાના કિસ્સામાં અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપી શકાય તેવી કોઈ પોલિસી જ નથી. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીના શાસકો દ્વારા સર્વાનુમતે ગ્રાહ્ય (મંજૂર) કરી લેવામાં આવી છે, જેને હવે ઔપચારિક મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.
અસલમ સાયકલવાળાના આકરા પ્રહારો
તંત્રના આ સંયુક્ત નિર્ણય બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા અસલમ સાયકલવાળાએ આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીએ જમીની વાસ્તવિકતા અને કાયદાકીય પાસાઓનો કોઈ પણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર આ દરખાસ્ત મંજૂર કરી દીધી છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે આ બધું માનીતા બિલ્ડરો અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા માટેનો સુવ્યવસ્થિત પ્રયાસ છે. વહીવટી તંત્ર અને શાસકોની આ સંમતિ હવે આગામી સમયમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ખૂબ જ મહત્વનો અને નિર્ણાયક મુદ્દો બની રહેશે.
