સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી છે. હોસ્ટેલના બિલ્ડિંગ નંબર 'બી' ના રૂમ નંબર 1005માં ફરજ બજાવતા એક રેસિડેન્ટ ડોક્ટરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પરિસર તેમજ ડોક્ટરો અને વિદ્યાર્થીઓના વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે.

30 વર્ષીય હર્ષ પંડ્યા તરીકે ઓળખ થઈ

આપઘાત કરનાર રેસિડેન્ટ ડોક્ટરની ઓળખ 30 વર્ષીય હર્ષ પંડ્યા તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ડોક્ટર હર્ષે પોતાના હોસ્ટેલ રૂમમાં અગમ્ય કારણોસર આ આત્યંતિક પગલું ભરી લીધું હતું. સાથી ડોક્ટરોને ઘટનાની જાણ થતાં જ તુરંત તબીબી મદદ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું પ્રાણપંખેડું ઊડી ગયું હતું.

'બી' બિલ્ડિંગના રૂમમાં ગળે ફાંસો ખાધો

ઘટના અંગે જાણ કરવામાં આવતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. ડોક્ટર હર્ષ પંડ્યાએ કયા માનસિક તણાવ કે કારણસર આપઘાત કર્યો છે તે જાણવા માટે પોલીસે રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તેની ચકાસણી સાથે સાથી ડોક્ટરો અને પરિવારજનોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો