સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડૉ. યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિના આપઘાતની ઘટના બાદ સમગ્ર મેડિકલ આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુઃખદ મામલે મૃતક ડૉક્ટરના પિતાએ 'સંદેશ ન્યૂઝ' સાથે વિશેષ વાતચીત કરતી વખતે પોતાનો આક્રોશ અને ગંભીર શંકાઓ વ્યક્ત કરી હતી. તેમણે પોતાના પુત્રના અચાનક લીધેલા આ આકરા પગલાં સામે સવાલો ઉઠાવતા સમગ્ર ઘટનામાં નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થાય તથા પોલીસ તંત્ર પાસેથી ઝડપી ન્યાય મળે તેવી આજીજી કરી છે. 

બાળક સાથે વિડીયો કોલ: પિતાની આપવીતી

મૃતકના પિતાના જણાવ્યા મુજબ ડૉ. યોગેન્દ્ર કોઈ પણ સંજોગોમાં આપઘાત કરી લે તેવા નબળા મનના ન હતા. ઘટનાના આગલા દિવસે સવારે જ તેમણે પોતાના પાંચ મહિનાના માસૂમ બાળક સાથે વિડીયો કોલ પર ખુશખુશાલ વાતો કરી હતી. આ ઉપરાંત, માત્ર ચાર દિવસ પહેલા જ તેઓ પોતાના પરિવાર સાથે ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરીને સુરત આવ્યા હતા. પિતાએ સ્પષ્ટ કહ્યું કે પરિવાર સાથે આટલા સારા સંબંધો ધરાવતો અને જીવંત સ્વભાવનો યુવાન આટલું આકરું પગલું ક્યારેય ન ભરી શકે.

Surat Civil Doctor's Suicide Case

હોસ્પિટલ તંત્રની ભૂમિકા અને CCTV ફૂટેજ પર સવાલો

પરિવારે સિવિલ હોસ્પિટલ તંત્ર અને પોલીસ પ્રશાસન સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. પિતાએ આક્ષેપ કર્યો હતો કે ઘટના પાછળનું સત્ય જાણવા માટે તેમણે હોસ્પિટલ પ્રશાસન પાસે CCTV ફૂટેજ માંગ્યા છે, પરંતુ હજુ સુધી તેમને કોઈપણ પ્રકારના ફૂટેજ બતાવવામાં આવ્યા નથી. હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી ટાળમટોળથી પરિવારમાં શંકા વધુ ઘેરી બની રહી છે. સાથે જ, પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે આપઘાત કર્યાની વાતોને પિતાએ તદ્દન ખોટી અને પાયાવિહોણી અફવા ગણાવીને ફગાવી દીધી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો