શહેરમાં બાળકી સહિત બે વ્યકિતના બીમારીમાં સપડાયા બાદ મોત થયા હતા. ઊન પાટિયા આસ્મા નગરમાં રહેતી બે વર્ષીય બાળકીનું ન્યૂમોનિયા બાદ મોત થયું હતું અને કુંભારિયા રોડ પર આવેલા રોયલ ટાઉનશીપમાં સંચા ખાતામાં રહેતા યુવકનું તાવ અને ઊલટીની બીમારીમાં સંપડાતા મોત થયું હતું. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઊન પાટિયા આસ્મા નગરમાં રહેતા મો. ઇદરીશ અંસારીની બે વર્ષીય ફાતિમાને છેલ્લા ૧૦ દિવસથી તાવ આવતો હતો અને સાથે શરદી અને ખાંસી પણ થતી હતી.

[[$googlead]]

ફાતિમાનો રિપોર્ટ કરાવતા ન્યુમોનિયાની અસર હોવાનું નિદાન થયું હતું

ગુરૂવારે સવારે ફાતિમાની વધુ તબિયત લથડતા બેભાન થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં તબીબે જોઈ તપાસી બાળકીને મૃત જાહેર કરી હતી. બીજા બનાવમાં મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ પુણા કુંભારિયા રોડ પર આવેલ રોયલ ટાઉનશીપમાં સંચા ખાતામાં ૨૮ વર્ષિય શાહરૂલ જમાલ મોડલ રહેતો હતો અને ત્યાં જ સિલાઈ કામ કરી વતનમાં રહેતી પત્ની સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. શાહરૂલને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો અને પેટમાં દુઃખાવો થતો હતો. જેથી કિલનિક પરથી દવા લીધી હતી. ગુરૂવારે સવારે શાહરૂલને ઉલટી થયા બાદ તેમની વધુ તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને ૧૦૮માં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.

શરદી, ખાંસી અને તાવના દર્દી ૩૦ ટકા વધ્યા

સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં કાર્યરત તબીબો (જનરલ પ્રેક્ટિશનર)ને ત્યાં પણ છેલ્લા એક પખવાડિયામાં શરદી, ખાસી, તાવના દર્દી ૩૦ ટકા વધ્યા છે. સામાન્યપણે ૫૦ દર્દી આવતા હોય તો હાલમાં તે વધીને ૭૦થી ૮૦ થઇ ગયા છે. તેમાં શરદી, ખાસી, તાવ, માથાનો દુખાવો, શરીરમાં કમજોરીના કિસ્સા વધ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી વાયરલ અને ફલના ૯૦ ટકા કેસ આવી રહ્યા છે.

  • Follow us on: