સુરત શહેરમાં ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ સામે સુરત ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમે એક મોટી સફળ કાર્યવાહી કરી છે. પર્વત પાટીયા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં બહારથી યુવતીઓ લાવીને કુટણખાનું (સેક્સ રેકેટ) ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે AHTU ની ટીમે હોટેલ પર ઓચિંતો દરોડો પાડીને દેહવ્યાપારના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી હોટેલના સંચાલક અને એક ગ્રાહક સહિત કુલ બે શખ્સોની ધરપકડ કરી લીધી છે.
AHTU ટીમે હોટેલ પર પાડી ઓચિંતી રેડ
આ દરોડા દરમિયાન પોલીસે હોટેલના રૂમમાંથી ઉત્તર પ્રદેશ (UP) અને પશ્ચિમ બંગાળની બે પરપ્રાંતીય યુવતીઓને શોધી કાઢી હતી. આ યુવતીઓનું કાયદાકીય જોગવાઈઓ હેઠળ યોગ્ય કાઉન્સેલિંગ કરીને તેમને સહી-સલામત રીતે નરક સમાન દલદલમાંથી મુક્ત કરાવવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ રેકેટ ચલાવતા દલાલો ગ્રાહકો પાસેથી કલાક દીઠ રૂપિયા 2,000 વસૂલતા હતા. જેમાંથી મજબૂર મહિલાઓને માત્ર રૂપિયા 1,000 આપવામાં આવતા હતા, જ્યારે બાકીના 50% પૈસા (રૂપિયા 1,000) દલાલો કમિશન પેટે પોતાની પાસે રાખી લેતા હતા.
