સુરત શહેરના ગીચ અને વેપારી વિસ્તાર ગણાતા ઝાંપા બજાર ખાતે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ઝાંપા બજારમાં આવેલા તૈયાબી મોહલ્લામાં બુરહાની હોસ્પિટલ નજીકનું એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું. મકાનનો મોટો ભાગ અચાનક રસ્તા પર અને આસપાસના વિસ્તારમાં તૂટી પડતાં જ ધૂળના ગોટેગોટા ઉડ્યા હતા. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાના કારણે આસપાસના રહીશો અને રાહદારીઓમાં ક્ષણભર માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

સદનસીબે મોટી જાનહાનિ ટળી

મકાન ધરાશાયી થવાની આ ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી છે કે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટના સમયે મકાનની અંદર કે તેની બિલકુલ નજીક કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જોકે, મકાનનો કાટમાળ રસ્તા પર પથરાઈ જતાં વાહન વ્યવહાર અને લોકોની અવરજવર થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું અને અચાનક ચોમાસા કે અન્ય કારણોસર કડડભૂસ થઈને તૂટી પડ્યું હતું.

ફાયર વિભાગે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી

ઘટના અંગેની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની તેમજ આસપાસના વિસ્તારોને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ જોખમી બનેલા બાકીના ભાગોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને પાલિકાનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો