સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. બારડોલીના ઉવા ગામ નજીકથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં એક યુવક ડૂબી ગયો છે. નહેરમાં યુવક ડૂબ્યો હોવાની ખબર વાયુવેગે પ્રસરતા જ આજુબાજુના સ્થાનિક લોકો નહેર કિનારે દોડી આવ્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઉવા ગામ નજીક નહેરમાં સર્જાઈ દુર્ઘટના
ડૂબી ગયેલો યુવક પલસાણા તાલુકાના ગંગાધરા ગામનો વતની હતો, જેનું નામ કનુભાઈ હનુભાઈ શિયાળીયા છે. કનુભાઈ એક ઠંડા પીણા (કોલ્ડ ડ્રિંક્સ) ની કંપનીમાં ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ફરજ દરમિયાન તે ઉવા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નહેર પાસે ટ્રેક્ટર ઊભું રાખીને હાથ-પગ ધોવા માટે કિનારે ગયો હતો. તે સમયે અચાનક તેનો પગ લપસી જતાં તે નહેરના ઊંડા અને વેગવંતા પાણીમાં ખાબક્યો હતો અને પ્રવાહમાં તણાઈ ગયો હતો.
