સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતનો વીડિયો વાયરલ થયો છે, જેમાં જાહેરમાં ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, નિયમો નેવે મૂકી ભાજપ કોર્પોરેટરે ઉજવણી કરી હતી, પોલીસ કમિશનરના જાહેરનામાની ઐસીતૈસી કરતા આ ભાજપના નેતાઓને જાણે પોલીસનો ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે.
સુરતમાં ભાજપ નેતાઓનો જાહેરમાં જન્મદિવસની ઉજવણીના નામે તાયફા
સુરતમાં હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે, લિંબાયતમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી અને સ્ટેજ પર કેક કાપી હોવાનો વીડિયો વાયરલ થયો છે, જાહેર માર્ગ પર મોડીરાત્રે જન્મદિવસ ઉજવણીની આડમાં કરાયેલા આ તાયફાથી વિવાદ ઉભો થયો છે અને લોકોએ પણ પોલીસ સામે રોષ વ્યકત કર્યો છે, પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામાંની ઐસીતૈસી થતાં કાર્યવાહીને લઈ અટકળો તેજ થઈ છે અને આ મામલે ગુનો નોંધાયો નથી.
સુરત પોલીસના જાહેરનામાનો થયો ભંગ
જે વિસ્તારમાં આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તે વિસ્તારની પોલીસ પેટ્રોલિંગમાં હતી કે પછી જાણ હોવા છત્તા પણ કાર્યવાહી નથી કરી તેને લઈ લોકમુખે ચર્ચા થઈ રહી છે, પોલીસ નેતા હોય કે સામાન્ય માણસ હોય આવી રીતે જન્મદિવસની ઉજવણી કરવી અને રોડને બ્લોક કરી દેવો તે કેટલું યોગ્ય કહેવાય ! પોલીસ આ ભાજપના નેતાને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે. પોલીસનું જાહેરનામું આ વોર્ડ પ્રમુખ સાહેબને ખબર નથી કે શું ! અને જો વોર્ડ પ્રમુખને પોલીસના જાહેરનામાનું જ્ઞાન છે તો પછી શું કામ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી તે પણ એક સવાલ છે.
વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારેનો જન્મદિવસની ઉજવણીનો વીડિયો પણ વાયરલ થયો હતો
સુરતમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ભાજપ નેતા જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે અને રોડ પર ફટાકડા પણ ફોડીને પોલીસને ચેલેન્જ આપી છે, મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, ત્યારે પોલીસે આ કેસમાં હજી કોઈ ગુનો નોંધ્યો નથી, જો અન્ય કોઈએ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી હોય તો પોલીસ તરત ગુનો નોંધે છે અને ધરપકડ કરે છે, ભાજપના નેતા છે માટે ગુનો નથી નોંધાયો ?









