મગદલ્લા જેટીથી દૂર મધદરિયે પાર્ક જામનગરની શ્રીજી શિપિંગ કંપનીનું કોલસા ભરેલું વેસલ્સ ખાલી કરવા મોકલેલી ક્રેન તૂટી પડી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. વીતેલા ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે સોમવારે પવનની ઝડપ પ્રતિકલાક ૬૦થી ૭૦ કિલોમીટરે પહોંચી ગઈ હતી. તે સમયે વેસલ્સ સાથે બાંધેલી ક્રેન તૂટી પડી હતી. જોકે, જેટી બંધ હોવાથી કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટનામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડે તપાસ શરૂ કરી દીધી છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગત શનિવારે સાંજથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે
આ વાવાઝોડાથી વલસાડ, ચીખલી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોવાથી ગુજરાત મેરિટાઈમ બોર્ડે સલામતીના ભાગરૂપે મગદલ્લા જેટી બંધ કરી દીધી હતી. જેને પગલે જેટી પર માલસામાન લોડિંગ અને અનલોડિંગની કામગીરી બંધ હતી. જોકે જામનગરની શ્રીજી શિપિંગ કંપનીનું કોલસો ભરેલું એક વેસલ્સ મગદલ્લા જેટી તરફ મધદારિયે પાર્ક કરવામાં આવ્યું હતું. આ વેસલ્સમાંથી કોલસો બાર્જમાં ખાલી કરવા માટે એક ક્રેનને મધદરિયે લઈ જવામાં આવી હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે તપાસ હાથ ધરી છે
પરંતુ ભારે પવન ફૂંકાવાનું આગાહીને પગલે જેટી બંધ કરી દેવાતા કેન ત્યાં જ પાર્ક કરી દેવામાં આવી હતી. જોકે પવનની ગતિ વધી જતાં કેનને વેસલ્સ સાથે બાંધી દેવાઇ હતી. આમ છતાં પવનને કારણે મધદરિયે ભારી ભરખમ ક્રેન હિલોળા ખાવા માંડી હતી. ત્યારબાદ ક્રેનનો આગળનો ભારે ભરખમ ભાગ તૂટી પડયો હતો. જેટી બંધ હોવાથી કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હતી, તેથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે ક્રેન તૂટી પાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે તપાસ હાથ ધરી છે. આ રિપોર્ટ બાદ કસૂરવાર ઠરશે તો તેઓની સામે પગલાં ભરાશે.









